કોંગ્રેસ સદસ્યની તંત્ર સમક્ષ લેખિત રજૂઆત, જીપીએસ પુરાવા પણ રજૂ કર્યા
– લાલોડાના સરપંચે કોન્ટ્રાક્ટરનો બચાવ કરી રોયલ્ટી ભરીને કામ થતું હોવાનું જણાવ્યું
ઈડર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી તંત્રની રહેમનજર હેઠળ અથવા તો કાયદાની પરવા કર્યા વિના માફિયાઓ સક્રિય બન્યા છે. તાલુકાના મુડેટી અને લાલોડા ગામના ગૌચર વિસ્તારોમાંથી બેફામ ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. આ અંગે કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્યએ તંત્રને લેખિત રજૂઆત કરી સત્વરે કડક તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
મુડેટીમાં ગૌચરનું નામોનિશાન મિટાવવાના પ્રયાસો
ઈડર તાલુકા પંચાયતના સદસ્ય ધવલ પટેલે તાલુકા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે, મુડેટી ગામના બ્લોક નંબર ૫૭૭ (નવો સર્વે નંબર ૮૩૩) માંથી જેસીબી અને ભારે વાહનોની મદદથી વગદાર ઈજારદારો દ્વારા મોટા પાયે માટીનું ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે. માટી ભરીને દોડતા વાહનોની હેરાફેરીથી રસ્તાઓ પણ ખરાબ થઈ રહ્યા છે. અગાઉ ગ્રામ પંચાયત અને ગ્રામસભામાં આ મુદ્દે રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ યથાવત રહી છે. સદસ્ય દ્વારા આ મામલે જીપીએસ લોકેશન સાથેના ફોટા અને વીડિયો પુરાવા પણ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.
લાલોડામાં ૧૦ ફૂટથી વધુ ખનન અને ગ્રેનાઈટ માઈન્સ વેસ્ટનો મુદ્દો
લાલોડા ગામ તથા લાલપુર (બ) વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં માટી ખનન થઈ રહ્યું છે. ગામના જાગૃત નાગરિક આશિષ ડાહ્યાભાઈ પટેલ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરાઈ છે કે ગામના તળાવો, ચેકડેમ, ગૌચર અને ડુંગરોની તળેટી જેવા વિસ્તારોની તટસ્થ માપણી કરવામાં આવે. અહીં લગભગ ૧૦ ફૂટથી વધુ ઊંડું ખનન કરીને ગૌચરનું અસ્તિત્વ મિટાવવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. ઓવરલોડ વાહનોની અવરજવર અને ઉડતી ધૂળના કારણે સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ગયા છે.
ઉપરાંત, લાલોડા વિસ્તારની ગ્રેનાઈટ માઈન્સમાંથી નીકળતા વેસ્ટ અંગે અગાઉ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં હાલની સ્થિતિ અંગે પણ ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ગ્રામજનો દ્વારા હાઈ પાવર કમિટી સમક્ષ કરાયેલી રજૂઆતો પર યોગ્ય પગલાં લેવાય તેવી માગણી કરાઈ છે.
સરપંચનો બચાવ: ‘રોયલ્ટી ભરીને નિયमानुसार કામ થાય છે’
સમગ્ર વિવાદ અંગે લાલોડા ગામના સરપંચ ભાવેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ખેરાલુથી શામળાજી સુધી બની રહેલા માર્ગના કામ માટે લાલોડા ગામના તળાવમાંથી જે માટી ખનન અને પુરાણની કામગીરી ચાલી રહી છે, તે કોન્ટ્રાક્ટર દ્વારા કાયદેસરની રોયલ્ટી ભરીને નિયમોનુસાર જ કરવામાં આવી રહી છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા નિયમ વિરુદ્ધ ગેરકાયદે ખનન કરાયું હોવાનું જણાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગામતળના દબાણ અંગે સરપંચે જણાવ્યું કે, ડાહ્યાભાઈ પશાભાઈ પટેલ દ્વારા કરાયેલી લેખિત રજૂઆતના આધારે પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે અને દબાણ હટાવવાની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે. આગામી સમયમાં પોલીસ બંદોબસ્ત મેળવીને આ દબાણો સત્વરે દૂર કરવામાં આવશે.







