ખુલ્લા રહી ગયેલા ઘરમાં ઘૂસેલા તસ્કરોનો તરખાટ, તહેવારોના માહોલમાં ખેડૂત પરિવારને મોટો આર્થિક ફટકો
સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો નજીક તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજયનગર તાલુકાના ચિતરીયા ગામમાં બે દિવસ અગાઉ એક ખેડૂતના ખુલ્લા ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી અંદાજે રૂ. ૫.૫૯ લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂતે બુધવારે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ચિતરીયા ગામના દલપતપુરા ફળિયામાં રહેતા સુનિલ વિનોદભાઈ ઘોઘરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૬ ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ચોરી કરવાના ઇરાદે તેમના ખુલ્લા ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ઘરમાં રાખેલી ખુલ્લી પતરાની પેટીમાંથી કિંમતી દાગીના અને રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હતા.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તસ્કરો પાંચ તોલાની અંદાજે રૂ. ૨.૫૦ લાખની સોનાની ચેઈન, રૂ. ૧૫ હજારની કિંમતના ૩૦ તોલાના ચાંદીના છડા, રૂ. ૧૫ હજારનું ચાંદીનું બ્રેસલેટ, રૂ. ૭૦ હજારની કિંમતની સોનાની બે વીંટી, રૂ. ૧૫ હજારનો ચાંદીનો ઝૂરો, રૂ. ૪૦ હજારની કિંમતની સોનાની બે બુટ્ટી, રૂ. એક લાખનું સોનાનું મંગળસૂત્ર તેમજ રૂ. ૫૦ હજારની રોકડ રકમ મળી કુલ અંદાજે રૂ. ૫.૫૯ લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
દિવાળીના તહેવારોના માહોલ વચ્ચે ખેડૂતના ઘરમાં થયેલી આ ચોરીની ઘટનાને કારણે પરિવારને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તહેવારો ટાણે જ તસ્કરોએ હાથફેરો કરતાં જાણે તસ્કરોની દિવાળી સુધરી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ બનાવ અંગે ભોગ બનનાર સુનિલ ઘોઘરાએ બુધવારે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસ તપાસમાં ચોરીને અંજામ આપનાર અજાણ્યા શખ્સો સુધી ક્યારે પહોંચવામાં આવે છે અને ચોરાયેલી મત્તા પરત મેળવવામાં કેટલી સફળતા મળે છે તે જોવાનું રહેશે.







