GJGUJ/26/A7163

ષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરૂષના જીવનસંઘર્ષ-રાષ્ટ્રસેવા અને અખંડ ભારતના નિર્માણની પ્રેરણાદાયી ગાથા..

“એકતા-દ્રઢ નિશ્ચય અને રાષ્ટ્રસેવાની ભાવનાથી જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે.” ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ રાષ્ટ્રીય એકતા, અડગ મનોબળ, સાહસ, સંગઠનશક્તિ અને કર્તવ્યનિષ્ઠાના પ્રતીક તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું છે, તેમણે દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવાના સંઘર્ષમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને સ્વતંત્રતા પછી વિખરાયેલા રજવાડાંને એક રાષ્ટ્રના બંધનમાં જોડીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું, તેમની દ્રઢતા અને નિર્ણાયક નેતૃત્વને કારણે તેઓ ‘ભારતના લોખંડી પુરૂષ’ તરીકે જાણીતા બન્યા.૩૧ ઑક્ટોબર-૨૦૨૬ના રોજ તેમની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનને યાદ કરવું એટલે માત્ર એક મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપવી નહીં પરંતુ દેશપ્રેમ, શિસ્ત, એકતા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યોને ફરીથી આત્મસાત્ કરવા.

જન્મ-પરિવાર અને બાળપણ..
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઑક્ટોબર-૧૮૭૫ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો, તેમના પિતા ઝવેરભાઈ પટેલ ખેડૂત હતા અને માતા લાડબાઈ ધાર્મિક-સંસ્કારી તથા પરિશ્રમી હતાં. તેમનો પરિવાર મૂળ કરમસદ સાથે સંકળાયેલો હતો અને વલ્લભભાઈનું બાળપણ ગ્રામ્ય વાતાવરણમાં વીત્યું હતું. ખેડૂત પરિવારના જીવનમાંથી તેમને પરિશ્રમ, સ્વાવલંબન, સાદગી અને સંઘર્ષ કરવાની શક્તિ વારસામાં મળી હતી.તેમણે બાળપણથી જ સ્વતંત્ર વિચારસરણી અને દ્રઢ નિશ્ચયનાં લક્ષણો દર્શાવ્યાં હતાં, તેમનું પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં થયું હતું, ત્યારબાદ તેમણે નડિયાદની શાળામાં અભ્યાસ કરીને વર્ષ ૧૮૯૭માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ માટે તત્કાળ આગળ વધવું સરળ નહોતું છતાં તેમણે પોતાના ભવિષ્ય માટેના સંકલ્પને જાળવી રાખ્યો.તેમના જીવનની વિશેષતા એ હતી કે તેઓ મુશ્કેલીઓને અવરોધ નહીં પરંતુ આગળ વધવાની તક તરીકે જોતા હતા. બાળપણમાં વિકસેલી આ જ દ્રઢતા આગળ જતાં તેમના રાજકીય અને રાષ્ટ્રીય જીવનનો આધાર બની.

વકીલાતથી બૅરિસ્ટર બનવા સુધીની સફર..
વલ્લભભાઈએ કાયદાનો અભ્યાસ કરીને વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. વર્ષ ૧૯૦૦માં તેમણે જિલ્લા વકીલની પરીક્ષા પાસ કરી અને ગોધરામાં વકીલાત શરૂ કરી હતી, ત્યારબાદ તેઓ બોરસદ ગયા, જ્યાં ફોજદારી કેસોના કુશળ વકીલ તરીકે તેમની પ્રતિષ્ઠા વધી. તેમનું સ્વપ્ન ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર બનવાનું હતું, તેમણે પોતાની મહેનત અને વકીલાતની આવકમાંથી આ અભ્યાસ માટે નાણાં એકત્ર કર્યાં. વર્ષ ૧૯૧૦માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને લંડનની મિડલ ટેમ્પલ સંસ્થામાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ દરમિયાન તેમણે અસાધારણ પરિશ્રમ કર્યો અને ઉત્તમ પરિણામ સાથે બૅરિસ્ટર બનવાની લાયકાત મેળવી.વર્ષ ૧૯૧૩માં ભારત પરત ફરીને તેમણે અમદાવાદમાં વકીલાત શરૂ કરી. થોડા સમયમાં જ તેઓ સફળ અને પ્રતિષ્ઠિત બૅરિસ્ટર તરીકે જાણીતા બન્યા. તેમની દલીલો તર્કબદ્ધ, સ્પષ્ટ અને અસરકારક હતી. જોકે તેમના જીવનનું લક્ષ્ય માત્ર વ્યક્તિગત સફળતા અને આર્થિક સમૃદ્ધિ સુધી મર્યાદિત રહેવાનું નહોતું. દેશની પરિસ્થિતિ અને સામાન્ય લોકોની મુશ્કેલીઓ પ્રત્યેની સંવેદનાએ તેમને જાહેરજીવન તરફ દોરી ગયા.

મહાત્મા ગાંધી સાથેનો સંપર્ક અને જાહેરજીવનમાં પ્રવેશ..
વલ્લભભાઈ પટેલના જીવનમાં મહાત્મા ગાંધી સાથેનો સંપર્ક એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો. ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વદેશી અને જનસેવાના વિચારોની તેમના પર ઊંડી અસર પડી. તેમણે સમજ્યું કે કાયદા અને વકીલાતની કુશળતા ઉપરાંત પોતાની શક્તિનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના હિત માટે પણ કરી શકાય છે. વર્ષ ૧૯૧૭માં તેઓ અમદાવાદના નગરપાલિકા સંબંધિત જાહેરકાર્યોમાં સક્રિય બન્યા. નગરના આરોગ્ય, સ્વચ્છતા, પાણી અને નાગરિક સુવિધાઓના પ્રશ્નો ઉકેલવામાં તેમણે રસ લીધો. જાહેરજીવનમાં તેમણે કાર્યક્ષમતા, શિસ્ત અને જવાબદારીને પ્રાધાન્ય આપ્યું.અમદાવાદના નાગરિક જીવનમાં કામ કરતાં તેમને સામાન્ય લોકોની મુશ્કેલીઓ નજીકથી સમજવાની તક મળી. આ અનુભવથી તેમની સંગઠનશક્તિ અને વહીવટી કુશળતા વધુ મજબૂત બની, ત્યારબાદ તેઓ ધીમે ધીમે સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતાઓમાં સ્થાન પામ્યા.

ખેડા સત્યાગ્રહ : ખેડૂતોના હક્ક માટેની લડત..
વર્ષ ૧૯૧૮માં ગુજરાતના ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. પાકનું ઉત્પાદન ઘટ્યું હોવા છતાં બ્રિટિશ સરકાર મહેસૂલ વસૂલવા આગ્રહી હતી. ખેડૂતો માટે આવી પરિસ્થિતિમાં કર ચૂકવવો મુશ્કેલ હતો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ વલ્લભભાઈ પટેલે ખેડૂતોને સંગઠિત કર્યા. તેમણે ગામેગામ ફરીને ખેડૂતોને એકતા, શિસ્ત અને અહિંસક સંઘર્ષ માટે પ્રેર્યા. ખેડૂતોને સમજાવ્યું કે મુશ્કેલીના સમયમાં એકબીજાનો સાથ છોડવો નહીં અને પોતાના ન્યાયસંગત અધિકારો માટે શાંતિપૂર્વક અડગ રહેવું.ખેડા સત્યાગ્રહે પટેલને જનનેતા તરીકે ઓળખ અપાવી, તેમણે સાબિત કર્યું કે ખેડૂતો જેવા સામાન્ય નાગરિકો પણ સંગઠિત થાય તો સત્તાધીશોને પોતાની માગણીઓ અંગે વિચારવા મજબૂર કરી શકે છે. આ આંદોલન તેમના જાહેરજીવનનો મહત્વપૂર્ણ પડાવ બન્યું અને આગળના ખેડૂત આંદોલનો માટે પ્રેરણારૂપ સાબિત થયું.

બોરસદ અને નાગપુર સત્યાગ્રહમાં યોગદાન..
ખેડા સત્યાગ્રહ પછી પણ સરદાર પટેલે જનતાના પ્રશ્નો માટેની લડત ચાલુ રાખી. બોરસદ સત્યાગ્રહમાં તેમણે સ્થાનિક લોકોને સંગઠિત કરીને અન્યાયી વસૂલાત સામે અવાજ ઉઠાવ્યો. આ આંદોલનમાં તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો અને સંગઠિત જનશક્તિનું મહત્ત્વ વધુ મજબૂત રીતે સ્થાપિત કર્યું.વર્ષ ૧૯૨૩માં નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.રાષ્ટ્રીય ધ્વજના સન્માન અને જાહેર અધિકારો સાથે જોડાયેલા આ સંઘર્ષમાં તેમણે નેતૃત્વ અને સંગઠનશક્તિનું પ્રદર્શન કર્યું. આ સમય સુધીમાં તેઓ માત્ર ગુજરાતના નેતા રહ્યા નહોતા પરંતુ રાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય નેતા તરીકે ઊભરી આવ્યા હતા.

બારડોલી સત્યાગ્રહ અને ‘સરદાર’ની ઉપાધિ..
સરદાર પટેલના જીવનમાં વર્ષ ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ વિશેષ સ્થાન ધરાવે છે. બારડોલી તાલુકાના ખેડૂતો પર જમીનમહેસૂલમાં વધારો કરવામાં આવ્યો હતો. ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવેલી આ કાર્યવાહી સામે અસંતોષ ફેલાયો હતો. ખેડૂતોના આગ્રહથી સરદાર પટેલે આંદોલનનું નેતૃત્વ સ્વીકાર્યું. તેમણે ખેડૂતોને શિસ્ત જાળવવા, એકતા ન તોડવા અને અહિંસક માર્ગે આગળ વધવા સમજાવ્યા. બ્રિટિશ શાસનના દબાણ, જપ્તીની કાર્યવાહી અને મુશ્કેલીઓ વચ્ચે પણ ખેડૂતો અડગ રહ્યા. સરદાર પટેલે આંદોલનને સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવ્યું. ખેડૂતોની એકતા અને નેતૃત્વની દ્રઢતાએ સરકાર પર દબાણ ઊભું કર્યું, અંતે મહેસૂલવધારાના પ્રશ્નની તપાસ અને રાહત માટે માર્ગ ખુલ્યો.આ સફળતાથી પ્રભાવિત થઈને બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈને ‘સરદાર’ની ઉપાધિથી નવાજ્યા હોવાનું પ્રચલિત છે, ત્યારથી તેઓ સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે જાણીતા બન્યા. બારડોલી સત્યાગ્રહે તેમના જીવનમાં જનનેતૃત્વની એવી છાપ ઊભી કરી કે આગળ જતાં દેશની એકતા સ્થાપિત કરવાની જવાબદારીમાં પણ તેમની સંગઠનશક્તિ અત્યંત ઉપયોગી સાબિત થઈ.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી ભૂમિકા..
સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતાઓમાંના એક હતા, તેમણે અસહકાર આંદોલન, સવિનય કાનૂનભંગ આંદોલન અને ૧૯૪૨ના ‘હિન્દ છોડો’ આંદોલન સહિત સ્વાતંત્ર્યસંગ્રામની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો. બ્રિટિશ શાસન સામેના સંઘર્ષને કારણે તેમને અનેક વખત જેલવાસ ભોગવવો પડ્યો. તેઓ સંગઠન અને વ્યવસ્થાપનમાં કુશળ હતા. કોંગ્રેસના કાર્યકરોને એકત્ર કરવા, જનતાને આંદોલનો માટે તૈયાર કરવા અને સંઘર્ષને શિસ્તબદ્ધ રીતે આગળ વધારવામાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું.વર્ષ ૧૯૩૧માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ અધિવેશન સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં મહત્વપૂર્ણ હતું, તેમાં મૂળભૂત અધિકારો અને આર્થિક નીતિ સંબંધિત ઠરાવો દ્વારા સ્વતંત્ર ભારત કેવું હોવું જોઈએ તે અંગેના વિચારો રજૂ થયા હતા. સરદાર પટેલની રાજકીય દ્રષ્ટિમાં સ્વતંત્રતા સાથે સુશાસન, નાગરિક અધિકારો, રાષ્ટ્રીય શિસ્ત અને દેશની એકતાને પણ મહત્વનું સ્થાન હતું.

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી..
૧૫ ઑગસ્ટ-૧૯૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયું ત્યારે દેશ સામે અનેક ગંભીર પડકારો હતા. ભારતના ભાગલાને કારણે કોમી હિંસા, સ્થળાંતર, શરણાર્થીઓનું પુનર્વસન અને આંતરિક સુરક્ષા જેવા પ્રશ્નો ઊભા થયા હતા. દેશને સ્થિર વહીવટી માળખું આપવાની પણ તાત્કાલિક જરૂરિયાત હતી. આ સંજોગોમાં સરદાર પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી. તેમણે આંતરિક સુરક્ષા, વહીવટી વ્યવસ્થા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા. તેઓ જાણતા હતા કે માત્ર રાજકીય સ્વતંત્રતા પૂરતી નથી, દેશના વિવિધ પ્રદેશો, સમુદાયો અને સંસ્થાઓને એક જવાબદાર રાષ્ટ્રીય માળખામાં જોડવા પણ એટલું જ જરૂરી છે.તેમની કાર્યશૈલીમાં સ્પષ્ટતા, ઝડપી નિર્ણયશક્તિ અને પરિણામલક્ષી અભિગમ જોવા મળતો હતો. મુશ્કેલ પ્રશ્નો સામે તેઓ ભાવનાત્મક પ્રતિક્રિયા કરતાં વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ઉકેલ શોધવા પ્રયત્ન કરતા હતા.

રજવાડાંનું એકીકરણ : અખંડ ભારતના નિર્માણનું મહાન કાર્ય..
સરદાર પટેલનું સૌથી ઐતિહાસિક યોગદાન દેશનાં ૫૦૦થી વધુ રજવાડાંને ભારતીય સંઘમાં જોડવાનું હતું. બ્રિટિશ શાસનના અંત સમયે ભારતના અનેક ભાગોમાં દેશી રજવાડાં હતાં. તેમની સ્થિતિ, વિસ્તાર, શાસનવ્યવસ્થા અને રાજકીય ઇચ્છાઓ અલગ-અલગ હતી. જો આ રજવાડાં અલગ રહેતાં તો સ્વતંત્ર ભારતનું રાજકીય ચિત્ર વિખરાયેલું રહેવાની શક્યતા હતી. સરદાર પટેલે દેશી રાજ્યોના વિભાગની જવાબદારી સંભાળી અને વી.પી.મેનન સહિતના અનુભવી અધિકારીઓના સહયોગથી રાજાઓ સાથે વાતચીત શરૂ કરી, તેમણે રજવાડાંને સમજાવ્યું કે ભૌગોલિક, આર્થિક અને સુરક્ષાના હિતમાં ભારતીય સંઘ સાથે જોડાવું જરૂરી છે.મોટાભાગનાં રજવાડાંએ સમજૂતી અને રાજદ્વારી પ્રયાસો દ્વારા ભારત સાથે જોડાવાનું સ્વીકાર્યું. આ પ્રક્રિયામાં કેટલાક રાજ્યોના પ્રશ્નો જટિલ બન્યા પરંતુ સરદાર પટેલે દ્રઢતા અને વ્યવહારકુશળતાથી તેમને ઉકેલવા પ્રયત્ન કર્યો.

જૂનાગઢનો પ્રશ્ન..
જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય જાહેર કર્યો, જ્યારે રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને મોટા ભાગની પ્રજાની પરિસ્થિતિ ભારત સાથેના સંબંધ તરફ સંકેત કરતી હતી, આ પ્રશ્ને ગંભીર રાજકીય જટિલતા ઊભી કરી. સરદાર પટેલે જૂનાગઢના પ્રશ્નને રાષ્ટ્રીય એકતા અને પ્રજાની ઇચ્છાના દ્રષ્ટિકોણથી જોયો. રાજકીય અને વહીવટી પ્રક્રિયાઓ બાદ ફેબ્રુઆરી ૧૯૪૮માં યોજાયેલા જનમતસંગ્રહમાં ભારત સાથે જોડાવાના પક્ષમાં ભારે સમર્થન મળ્યું. આ રીતે જૂનાગઢનો પ્રશ્ન ઉકેલાયો.

હૈદરાબાદનું એકીકરણ..
હૈદરાબાદના નિઝામે ભારતીય સંઘમાં જોડાવા અંગે વિલંબ કર્યો હતો. રાજ્યની અંદરની પરિસ્થિતિ અને સુરક્ષાને લગતા પ્રશ્નો ગંભીર બનતા ગયા. વાતચીતના પ્રયાસો સફળ ન થતાં સપ્ટેમ્બર ૧૯૪૮માં ભારત સરકારે ‘પોલો ઑપરેશન’ નામે સૈન્ય કાર્યવાહી હાથ ધરી, ત્યારબાદ હૈદરાબાદ ભારતીય સંઘમાં જોડાયું. જૂનાગઢ અને હૈદરાબાદ જેવા જટિલ પ્રશ્નોના ઉકેલમાં સરદાર પટેલની ભૂમિકા રાષ્ટ્રીય એકીકરણના ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. તેમના પ્રયાસો અને અન્ય નેતાઓ તથા અધિકારીઓના સહયોગથી ભારતની રાજકીય એકતાનો પાયો મજબૂત બન્યો. આ યોગદાનને કારણે તેમને આધુનિક ભારતના એકીકરણના મુખ્ય શિલ્પી તરીકે યાદ કરવામાં આવે છે.

અખિલ ભારતીય વહીવટી સેવાઓનું મહત્વ..
સરદાર પટેલ સમજતા હતા કે નવા સ્વતંત્ર દેશને કાર્યક્ષમ, નિષ્પક્ષ અને જવાબદાર વહીવટી તંત્રની જરૂર છે. દેશના વિવિધ પ્રદેશોમાં વહીવટી એકરૂપતા જાળવવા તથા રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપવા માટે તેમણે અખિલ ભારતીય વહીવટી સેવાઓને મજબૂત સમર્થન આપ્યું. તેમના મતે વહીવટી અધિકારીઓએ રાજકીય દબાણથી પર રહીને બંધારણ, કાયદા અને જનહિત પ્રત્યે નિષ્ઠાવાન રહેવું જોઈએ. તેમણે અધિકારીઓને દેશની એકતા જાળવવામાં અને વહીવટી સ્થિરતા સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી.આજે ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા જેવી સંસ્થાઓ દેશના વહીવટી માળખામાં અગત્યનું સ્થાન ધરાવે છે. તેમના પ્રારંભિક મજબૂતીકરણ માટે સરદાર પટેલે આપેલું યોગદાન તેમને માત્ર રાજકીય એકતાના જ નહીં પરંતુ વહીવટી એકતાના પણ મહત્વપૂર્ણ શિલ્પી તરીકે સ્થાપિત કરે છે.

બંધારણના ઘડતરમાં યોગદાન..
સ્વતંત્રતા પછી ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાં સરદાર પટેલે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી, તેઓ બંધારણસભાની વિવિધ સમિતિઓ સાથે સંકળાયેલા હતા અને ખાસ કરીને મૂળભૂત અધિકારો, લઘુમતીઓ તથા આદિવાસી વિસ્તારોને લગતા પ્રશ્નોમાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. તેઓ માનતા હતા કે મજબૂત લોકશાહી માટે નાગરિકોના અધિકારોની સુરક્ષા અને દેશની એકતા વચ્ચે સંતુલન જરૂરી છે. ભારતની વિવિધતા જાળવી રાખીને રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવવી એ તેમના રાજકીય વિચારોનો અગત્યનો ભાગ હતો. તેમની દ્રષ્ટિમાં રાષ્ટ્રનું નિર્માણ માત્ર સત્તાની રચનાથી થતું નથી. નાગરિકોમાં વિશ્વાસ, કાયદાનું પાલન, જવાબદાર વહીવટ અને પરસ્પર સહકારથી પણ થાય છે.

પરિવારજીવન અને વ્યક્તિત્વ..
સરદાર પટેલના જીવનમાં જાહેર જવાબદારીઓની સાથે વ્યક્તિગત દુઃખો પણ આવ્યા હતા, તેમનાં પત્ની ઝવેરબાનું વર્ષ ૧૯૦૯માં અવસાન થયું હતું, તે સમયે તેમના સંતાનો મણિબહેન અને ડાહ્યાભાઈ હજી નાની વયનાં હતાં. જીવનની આ મુશ્કેલ પરિસ્થિતિ છતાં તેમણે પોતાની જવાબદારીઓ નિભાવી અને જાહેરજીવનમાં આગળ વધ્યા. તેમના વ્યક્તિત્વમાં સાદગી, સ્પષ્ટવક્તાપણું, શિસ્ત, કર્તવ્યનિષ્ઠા અને દ્રઢ નિર્ણયશક્તિનો સમન્વય હતો, તેઓ કામમાં વ્યવહારૂ અને સમયના મહત્વને સમજતા નેતા હતા, તેમના માટે રાષ્ટ્રહિત વ્યક્તિગત સુખ અને લાભ કરતાં ઊંચું હતું.તેમની સફળતાનું રહસ્ય માત્ર કઠોર નિર્ણયોમાં નહોતું પરંતુ લોકોની સમસ્યાઓ સમજવાની, તેમને સંગઠિત કરવાની અને વ્યવહારૂ ઉકેલ સુધી પહોંચવાની ક્ષમતામાં પણ હતું.

અવસાન અને અમર વારસો..
સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન ૧૫ ડિસેમ્બર-૧૯૫૦ના રોજ મુંબઈમાં થયું હતું. તેઓ માત્ર ૭૫ વર્ષની વયે વિદાય પામ્યા પરંતુ તેમના જીવનકાર્યોનો પ્રભાવ ભારતીય ઇતિહાસમાં કાયમી રહ્યો. વર્ષ ૧૯૯૧માં તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા.ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક આવેલી ૧૮૨ મીટર ઊંચી ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ પ્રતિમા તેમના રાષ્ટ્રીય એકતાના યોગદાનને સમર્પિત છે, તેનું ઉદ્ઘાટન ૩૧ ઑક્ટોબર-૨૦૧૮ના રોજ કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓમાં સ્થાન ધરાવતું આ સ્મારક સરદાર પટેલની રાષ્ટ્રીય એકતાની વિચારધારાનું પ્રતીક છે.વર્ષ ૨૦૧૪થી દર વર્ષે ૩૧ ઑક્ટોબરના રોજ તેમની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી દૃઢ કરવાનો અવસર છે.

સરદાર પટેલના જીવનમાંથી મળતી પ્રેરણા..
સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન સંઘર્ષમાંથી સફળતા સુધીની પ્રેરણાદાયી યાત્રા છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા એક વ્યક્તિએ પોતાની મહેનત, બુદ્ધિ, સંગઠનશક્તિ અને રાષ્ટ્રપ્રેમના બળે દેશના ઇતિહાસમાં અમીટ સ્થાન પ્રાપ્ત કર્યું. તેમણે ખેડૂતોના અધિકારો માટે લડત આપી,સ્વાતંત્ર્યસંગ્રામમાં નેતૃત્વ કર્યું, સ્વતંત્ર ભારતનાં રજવાડાંનું એકીકરણ કર્યું અને મજબૂત વહીવટી માળખું ઊભું કરવામાં યોગદાન આપ્યું, તેમના જીવનનો સૌથી મોટો સંદેશ એ છે કે રાષ્ટ્રની સાચી શક્તિ તેની એકતા, નાગરિકોની જવાબદારી, પરસ્પર વિશ્વાસ અને કર્તવ્યનિષ્ઠામાં રહેલી છે.તેમની જન્મજયંતિએ આપણે માત્ર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને અટકી ન જઈએ. જાતિ, ધર્મ, ભાષા,પ્રદેશ અને સામાજિક ભેદભાવથી ઉપર ઊઠીને એકબીજાનું સન્માન કરીએ, રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવીએ અને સમાજના નબળા વર્ગોના ઉત્થાન માટે કાર્ય કરીએ.સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ અર્પણ થશે જ્યારે આપણે તેમના જીવનમૂલ્યોને પોતાના આચરણમાં ઉતારીશું અને એકતા, અખંડિતતા, શાંતિ તથા માનવતાથી સમૃદ્ધ ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપીશું.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિએ રાષ્ટ્રના આ મહાન શિલ્પીને કોટિ કોટિ વંદન !

આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State