GJGUJ/26/A7163

સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો: રવિ પાકની વાવણી ટાણે વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ઉચાટ અને ચિંતા

દક્ષિણ ભારતમાં સક્રિય થયેલા ‘અર્નબ’ વાવાઝોડાની અસરોના પગલે ગુરુવારે બપોર બાદ સાબરકાંઠા જિલ્લાભરમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતાં રવિ પાકની વાવણી અને લણણીની મોસમ ટાણે જ ખેડૂતોમાં ચિંતાની ઘેરી લાગણી પ્રસરી ગઈ છે. દિવસ દરમિયાન હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ઈડર સહિતના પંથકમાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

ડાંગર, મગફળી અને કપાસના પાક પર જોખમ

હાલમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેડૂતો દ્વારા ડાંગર, મગફળી અને કપાસ જેવા શિયાળુ તેમજ પાછોતરા પાકની લણણીની કામગીરી ચાલી રહી છે. આવા સમયે સર્જાયેલા વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ડર છે કે જો દિવાળી ટાણે માવઠું (કમોસમી વરસાદ) થશે, તો તૈયાર પાકને ભારે નુકસાન થશે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જશે.

બટાકાની વાવણી કરનાર ખેડૂતો પણ મૂંઝવણમાં

એટલું જ નહીં, જિલ્લામાં જે ખેડૂતોએ શિયાળુ પાક તરીકે બટાકાની વાવણીની આગોતરી તૈયારીઓ અને ખેડાણ શરૂ કરી દીધું છે, તેઓ પણ અચાનક બદલાયેલા આ હવામાનને કારણે ભારે મૂંઝવણમાં મુકાયા છે.

પ્રાંતિજ માર્કેટયાર્ડમાં ખરીદી-હરાજી કામકાજ ત્રણ દિવસ મુલત્વી

વાતાવરણની અનિશ્ચિતતા અને સંભવિત વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાંતિજ માર્કેટયાર્ડ દ્વારા સાવચેતીના ભાગરૂપે આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ માટે વિવિધ કૃષિ પાકોની ખરીદી અને હરાજીનું કામકાજ મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓ દ્વારા હાલ તો આકાશ તરફ નજર માંડીને ચિંતાભેર આગામી દિવસોના હવામાન પર મીટ માંડવામાં આવી છે.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State