GJGUJ/26/A7163

હિંમતનગરના મહાવીરનગર-બેરણા રોડની બિસ્માર હાલત સામે આક્રોશ : વરસાદી લાઈન નાખ્યા બાદ રોડ પૂર્વવત ન કરાતા ખાડા અને ધૂળથી પ્રજા ત્રસ્ત

સમયસર કામ નહીં થાય તો પાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન અને રસ્તા રોકો ચીમકી

હિંમતનગર શહેરના મહાવીરનગર સર્કલથી બેરણા રોડ તથા બ્રહ્માકુમારી સર્કલ સુધીના માર્ગની લાંબા સમયથી અત્યંત દયનીય અને બિસ્માર હાલત થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો, મહિલાઓ અને વેપારીઓમાં ભારે રોષ પ્રસર્યો છે. આ સમસ્યા અંગે તાજેતરમાં સ્થાનિક મહિલાઓ અને નાગરિકો દ્વારા હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને એક સામૂહિક આવેદનપત્ર પાઠવીને કડક માંગ કરવામાં આવી છે.

વરસાદી લાઈને વધારી મુશ્કેલીઓ

આવાસીય વિસ્તારોમાંથી મળતી વિગતો મુજબ, વિસ્તારમાં વરસાદી પાણીની લાઈન નાખ્યા બાદ રોડની યોગ્ય પુનઃસ્થાપના કે મરામત ન કરવામાં આવતા સમગ્ર માર્ગ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. પરિણામે, ખાડા અને ઉડતી અસહ્ય ધૂળના લીધે સ્કૂલે જતા નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ, વાહનચાલકો અને રાહદારીઓનું દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. અકસ્માતોનું જોખમ વધવાની સાથે નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી રહી છે.

મહિલાઓ અને વેપારીઓનો ઉગ્ર રોષ

આ અગાઉ સ્થાનિક સ્તરે યોજાયેલી બેઠકોમાં સેંકડોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો દિવાળીના તહેવારો અગાઉ કે ટૂંક સમયમાં રોડનું કામ શરૂ નહીં થાય, તો નાગરિકો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવશે અને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.

આવેદનપત્રની મુખ્ય માંગણીઓ:

  1. મહાવીરનગર સર્કલથી બેરણા અને બ્રહ્માકુમારી સર્કલ સુધીના માર્ગની ત્વરિત સ્થળ તપાસ કરાવી જરૂરી કામ વહેલી તકે શરૂ કરવામાં આવે.

  2. રોડનું કામ શરૂ કરવાની અને પૂર્ણ કરવાની સ્પષ્ટ સમયમર્યાદા લેખિતમાં જાહેર કરવામાં આવે.

  3. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાડા, ધૂળ અને અકસ્માતનું જોખમ ઘટાડવા તાત્કાલિક ધોરણે સલામતીના પગલાં લેવામાં આવે.

  4. રોડનું નિર્માણ યોગ્ય ગુણવત્તા અને ટેકનિકલ ધોરણો મુજબ કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State