GJGUJ/26/A7163

સાબરમતી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા: વાઘપુર પાસેથી ચાર હોડીઓ જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાં ચાલતી ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગે વાઘપુર સીમ વિસ્તારમાંથી રેતી ખનનમાં વપરાતી ચાર શંકાસ્પદ હોડીઓ કબ્જે કરી છે, જેના કારણે ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગેરકાયદે રેતી ચોરીનું મોટું નેટવર્ક

પ્રાંતિજ તાલુકાના વાઘપુર અને આસપાસના વિસ્તારોમાંથી વહેતી સાબરમતી નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ બેફામ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેતી ચોરી કરતા તત્વો દ્વારા રાત-દિવસ નદી કિનારે આવેલા ગામોમાંથી રેતી ભરેલા વાહનો બેરોકટોક પસાર કરવામાં આવતા હતા, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું છે.

ફાયર બ્રિગેડની મદદથી હોડીઓ બહાર કઢાઈ

સ્થાનિક લોકો દ્વારા રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા ખાણ-ખનીજ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. આ માહિતીના આધારે ગુરુવારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ નદી પટમાં અચાનક દરોડા પાડ્યા હતા.

તસ્કરો દ્વારા નદીના ઊંડા પાણીમાં છુપાવવામાં આવેલી હોડીઓને બહાર કાઢવા માટે પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાંથી રેતી ચોરીમાં વપરાતી ચાર હોડીઓ અને અન્ય સાધનો સફળતાપૂર્વક બહાર કાઢીને કબ્જે લીધા હતા.

લોકોમાં કાયમી કાર્યવાહી અંગે શંકા

ખાણ-ખનીજ વિભાગની આ અચાનક થયેલી કાર્યવાહીથી ખનીજ ચોરોમાં થોડા સમય માટે ફફડાટ જરૂર ફેલાયો છે, પરંતુ સ્થાનિક લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ કાર્યવાહી માત્ર ‘દેખાવ ખાતર’ તો નથી ને? સ્થાનિકોનું માનવું છે કે જ્યાં સુધી રાજકીય આશીર્વાદ અને વહીવટી લાપરવાહી રહેશે, ત્યાં સુધી આવા તત્વો સામે કાયમી લગામ કસવી મુશ્કેલ બનશે.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State