-
સ્થાનિકોમાં ભારે નારાજગી; ચોમાસામાં ઓછા વરસાદ વચ્ચે પાણીના વેડફાટ સામે નગરપાલિકા તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ
-
વોર્ડ નં. ૧ના કોર્પોરેટરો અને તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ જવાબદારો સામે લાલ આંખ કરે તેવી ઉઠતી માંગણી
હિંમતનગર:
હિંમતનગર નગરપાલિકા હસ્તકના વોર્ડ નં. ૧ માં આવેલા બ્રહ્માણીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રોડ પર પાણીનો બેફામ વ્યય થઈ રહ્યો હોવાની ગંભીર બાબત સામે આવી છે. બ્રહ્માણીનગરમાં આવેલી ૧૦ જેટલી દુકાનો આગળના મુખ્ય રોડ પર સતત પાણી ઢોળાતાં અહીંથી પસાર થતાં રહીશો અને રાહદારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, બ્રહ્માણીનગરમાં થોડા સમય અગાઉ નગરપાલિકા દ્વારા અપાતા અપર્યાપ્ત પાણીના જથ્થાને લઈને સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આવી પરિસ્થિતિ વચ્ચે બ્રહ્માણીનગરની ૧૦ દુકાનોના રોડ પરથી છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા જળનો વ્યય કરાઈ રહ્યો હોવાના દ્રશ્યો અને વિગતો બુધવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સવારના સમયે આ રોડ પર પાણી વહી જતાં લોકોને તેમાંથી અવરજવર કરવાની નોબત આવી રહી છે.
વર્તમાન વર્ષે ચોમાસા દરમિયાન પડેલા ઓછા વરસાદને કારણે હિંમતનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના જળાશયોમાં પાણીની સપાટી ચિંતાજનક રીતે ઘટી રહી છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુહાઈ જળાશય તેમજ અન્ય સ્ત્રોતો મારફતે માંડ-માંડ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ રીતે થતો પાણીનો વેડફાટ અત્યંત ગંભીર બાબત ગણાવી શકાય.
જો હાલમાં જ પાણીના વ્યય પર રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની કેવી ભયાનક તંગી સર્જાશે તેનો વિચાર માત્ર કંપાવી દેનારો છે. આ સંજોગોમાં વોર્ડ નં. ૧ ના કોર્પોરેટરો તથા નગરપાલિકાના જાગૃત અધિકારીઓએ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને પાણીનો વ્યય કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી સબક શીખવાડવો જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. “જળ એ જ જીવન છે” ના સૂત્રને સાર્થક કરવા માટે દરેક નાગરિકે પણ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો હિતાવહ છે.







