GJGUJ/26/A7163

સાબરકાંઠામાં કોંગ્રેસ આક્રમક મૂડમાં: ચૂંટણી પંચ અને ભાજપ સામે ગંભીર આક્ષેપો સાથે આંદોલનની ચીમકી

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસે ભાજપ અને ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. એક તરફ કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભાજપના પક્ષમાં કામ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ ભાજપની રેલીમાં સહકારી ક્ષેત્રની અગ્રણી સાબર ડેરીના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી બની ગયું હોવાનો આક્ષેપ

ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ પછી ચૂંટણી પંચ નિષ્પક્ષ રહેવાને બદલે ભાજપના પક્ષમાં કામ કરી રહ્યું હોય તેમ જણાય છે. મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ઈવીએમ (EVM) અંગે લેખિતમાં પુરાવાઓ આપવા છતાં પણ ચૂંટણી પંચ તરફથી કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી પંચ તેની કામગીરીમાં સુધારો નહીં કરે અને પ્રશ્નોના જવાબ નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. આ જ મુદ્દે આગામી ૧ નવેમ્બરના રોજ દિલ્હી ખાતે યોજાનારી વિશાળ મહારેલીમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે.

ભાજપની રેલીઓ અને શાળાના બાળકોના ઉપયોગ અંગે સવાલો

ભાજપ દ્વારા યોજાઈ રહેલી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ રેલીઓ સામે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સુરતમાં યોજાયેલી રેલીમાં ભીડ એકઠી કરવા માટે શાળાના નિર્દોષ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભાજપ પાસે પોતાના કાર્યકરો કે જનમેદનીનો અભાવ હોવાથી આવા નુસખા અપનાવવામાં આવી રહ્યા હોવાનો દાવો ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી અને મહારાષ્ટ્રના સાંસદ શ્યામ કુમાર બરવેએ કર્યો હતો.

સાબર ડેરીના નાણાંનો રાજકીય ઉપયોગ: પશુપાલકોની કમાણી પર તરાપ?

બીજી તરફ, સાબરકાંઠાની જીવાદોરી સમાન સાબર ડેરીને લઈને પણ નવો વિવાદ છેડાયો છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ, ભાજપની રેલીમાં ભાગ લેનારા લોકો માટે સાબર ડેરીના ફંડમાંથી ભાડું અને ભોજનની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે. સહકારી સંસ્થા અને પશુપાલકોની પરસેવાની કમાણીનો ઉપયોગ રાજકીય પાર્ટીના પ્રચાર માટે કરવો કેટલો યોગ્ય? તેવો પ્રશ્ન ઉઠાવી કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો છે.

આ મુદ્દે કોંગ્રેસ પશુપાલકોને સાથે રાખીને ટૂંક સમયમાં જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરશે. હાલમાં સાબર ડેરીના નાણાંના ઉપયોગ અંગે ઉઠેલા આ ગંભીર આક્ષેપો વચ્ચે ડેરી તંત્રનું શું વલણ રહે છે અને આ રાજકીય વિવાદ કયું નવું વળાંક લે છે તેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State