GJGUJ/26/A7163

દિવાળી પૂર્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : નેત્રંગના કાંટીપાડામાં રૂ. 3.16 લાખનો દારૂ ઝડપાતાં બુટલેગરોમાં ફફડાટ!

 

ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન સહિત કુલ 1,858 નંગનો, રૂપિયા 3,16,574ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

મળતી વિગતો અનુસાર, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.પી.મલ્હોત્રા અને તેમની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન કાંટીપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતો દીપક ઇન્દુ વસાવા વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘર તથા આસપાસનાં ઘરોમાં સંતાડી રાખી છૂટક વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.

 

બાતમીના આધારે LCBની ટીમે તપાસ હાથ ધરતાં રીતેશ ભગુ વસાવાના ઘરમાં સંતાડીને રાખવામાં આવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કાચની બોટલો તથા બિયર ટીન મળી આવ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી કુલ 1,858 નંગનો, રૂપિયા 3,16,574ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

આ મામલે દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખનાર દીપક ઇન્દુ વસાવા તથા જેના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે રીતેશ ભગુ વસાવા, બંને રહે. કાંટીપાડા ગામ, નિશાળ ફળિયું, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.દિવાળી પૂર્વે પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State