-
ખેડબ્રહ્મા-પઠારા માર્ગ પર શાળાએ જતી વિદ્યાર્થિનીઓની દયનીય અને જોખમી સ્થિતિ
-
ખાનગી વાહનોના ચાલકોની બેદરકારી અને તંત્રની ઉદાસીનતા સામે વાલીઓમાં રોષ
ખેડબ્રહ્મા: શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ ખેડબ્રહ્મા વિસ્તારમાં શાળાએ જતી વિદ્યાર્થિનીઓ માટે રોજબરોજની શાળાની સફર જ્ઞાન મેળવવાની નહીં પરંતુ ‘મોતની મુસાફરી’ બની ગઈ છે. ખેડબ્રહ્મા-પઠારા રોડ પરથી સામે આવેલો એક હચમચાવી દેતો વિડિઓ આ વાતની સાક્ષી પૂરે છે, જ્યાં માસૂમ વિદ્યાર્થિનીઓ જીવના જોખમે પ્રાઈવેટ વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
વાહનના પાછળના દરવાજે લટકીને મુસાફરી કરતી વિદ્યાર્થિનીઓ
પ્રાપ્ત વિગતો અને વાયરલ થઈ રહેલા દ્રશ્યો મુજબ, સ્કૂલના ગણવેશમાં સજ્જ અને પીઠ પર ભારેખમ સ્કૂલ બેગ લટકાવેલી અસંખ્ય વિદ્યાર્થિનીઓ એક ખાનગી પેસેન્જર વાહનમાં સવાર છે. વાહનની અંદર જગ્યા ખૂટી પડતા આ દીકરીઓ વાહનના પાછળના ખુલ્લા ભાગમાં અને દરવાજે જીવના જોખમે લટકીને મુસાફરી કરવા મજબૂર છે. જરાક ચૂંક થાય તો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાઈ શકે છે તેવી અત્યંત જોખમી સ્થિતિ જોવા મળી રહી છે.
તંત્રની આંખ આડા કાનની નીતિ
નિયમ મુજબ કોઈપણ સ્કૂલ વાહન કે પેસેન્જર વાહનમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી શકાય નહીં, અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે તંત્ર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તેમ છતાં, ખેડબ્રહ્મા-પઠારા રોડ પર બેફામ દોડતા આ ખાનગી વાહનચાલકો ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. સત્તાવાર વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવા બેજવાબદાર ચાલકોના હોંસલા બુલંદ બન્યા છે.
વાલીઓમાં ભારે ચિંતા અને રોષ
રોજેરોજ દીકરીઓને આ પ્રકારે જોખમી વાહનોમાં મોકલતી વખતે વાલીઓના શ્વાસ અધ્ધર રહે છે. ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી દહેશત વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને વાલીઓએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે, વહેલી તકે આ માર્ગ પર ચેકિંગ વધારવામાં આવે, ઓવરલોડિંગ અને નિયમો વિરુદ્ધ દોડતા ખાનગી વાહનો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરિવહનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી કોઈ નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ ન લેવાય.







