દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સાબરકાંઠા પોલીસ દ્વારા હાથ ધરાયેલા ખાસ ચેકિંગ અભિયાન દરમિયાન સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૩૫,૦૦૦ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, જ્યારે તેના અન્ય ત્રણ સાથીદારો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
બાતમીના આધારે વોચ ગોઠવીને કાર્યવાહી
ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા એમ.એસ. પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી એલ.સી.બી. પી.આઈ. ડી.સી. સાકરીયા અને પી.એસ.આઈ. આર.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, બજાજ પલ્સર મોટરસાઇકલ (GJ-27-CL-0764) પર ચાર શખ્સો સવાર થઈને મોટા કોટડાથી ચાંપા તરફ જઈ રહ્યા છે અને તે પૈકીના એક પાસે બંદૂક જેવું હથિયાર છે.
બાતમીના આધારે LCB ટીમે લખેડા ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હતી. મોટરસાઇકલ નજીક આવતાં પોલીસે બેટરીની લાઈટથી ઈશારો કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મોટરસાઇકલ પાછળ બેસેલા ત્રણ શખ્સો રાત્રિના અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા, પરંતુ મોટરસાઇકલ ચાલકને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો.
મુદ્દામાલ અને આરોપીની વિગત
ઝડપાયેલા શખ્સની તલાશી લેતાં તેની પાસેથી લાયસન્સ વગરની દેશી બનાવટની ફુલ્લીદાર સિંગલ બેરલની બંદૂક મળી આવી હતી.
-
ઝડપાયેલ આરોપી: મયુદ્દીન સલીમભાઈ ડફેર (રહે. વિજાપુર પશુ દવાખાના પાછળ છાપરામાં, તા. વિજાપુર, જી. મહેસાણા).
-
ફરાર/વોન્ટેડ આરોપીઓ:
-
ગુલામ અબ્દુલભાઈ ડફેર
-
મયુદીન સુમારભાઈ ડફેર
-
નજર સુમારભાઈ ડફેર (તમામ રહે. વિજાપુર, જી. મહેસાણા)
-
-
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
-
દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક (કિંમત રૂ. ૫,૦૦૦/-)
-
બજાજ પલ્સર મોટરસાઇકલ (કિંમત રૂ. ૨૫,૦૦૦/-)
-
એક મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦/-)
-
કુલ મુદ્દામાલ: રૂ. ૩૫,૦૦૦/-
-
કાયદેસરની કાર્યવાહી
ઝડપાયેલા આરોપી સામે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ જાદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની વધુ તપાસ જાદર પોલીસને સોંપવામાં આવી છે. ફરાર થઈ ગયેલા ત્રણેય શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
આ સફળ કામગીરીમાં LCB પી.આઈ. ડી.સી. સાકરીયા, પી.એસ.આઈ. આર.જે. જાડેજા, એ.એચ.સી. રાજુભાઈ જયરામભાઈ, એ.એચ.સી. ભાવિનકુમાર રસીકલાલ, એ.પી.સી. બિકેશસિંહ પ્રવિણસિંહ તથા ડ્રાઈવર પો.કોન્સ. જતિનકુમાર નટુભાઈ જોડાયા હતા.







