GJGUJ/26/A7163

ખેડબ્રહ્મામાં રોડ ડાયવર્ઝનને લઈને ભારે હોબાળો: બે માસૂમ બાળકો અકસ્માતનો ભોગ બનતા રહીશોનો નગરપાલિકામાં ઉગ્ર રોષ

ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૪ માં ચાલતા રોડના કામકાજને કારણે આપવામાં આવેલા ડાયવર્ઝનને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. વોર્ડ નંબર ૩ ના વાસણા રોડ પર આવેલા રોડ નંબર ૫ પર નિયમ વિરુદ્ધ ડાયવર્ઝન આપી દેવાતા વાહનવ્યવહારનો ભારે ઉપદ્રવ વધ્યો હતો, જેના પરિણામે બે નાના ભૂલકાઓ અકસ્માતનો ભોગ બન્યા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, રોડ નંબર ૧૦ અને ૭ પહોળા અને કાયદેસરના રસ્તા હોવાથી ડાયવર્ઝન ત્યાં આપવું જોઈએ. આ અંગે નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં અધિકારીઓએ પોતાની મનમાની ચાલુ રાખી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર હિતેન્દ્રભાઈએ “એન્જિનિયરને મળો” કહીને જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા હતા, જ્યારે એન્જિનિયર તુષારભાઈ છેલ્લા ચાર દિવસથી ખોટા આશ્વાસનો આપી રહીશોને ગોળ-ગોળ ફેરવતા હોવાનો આક્ષેપ કરાયો છે.

બે માસૂમ બાળકોના અકસ્માત બાદ ઉશ્કેરાયેલા સોસાયટીના રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતાં આખરે રહીશોએ સાબરકાંઠા કલેક્ટરશ્રી, ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નરશ્રી તેમજ અગ્ર સચિવશ્રી ડૉ. રમીયાબેન મોહનને ટેલિફોનિક જાણ કરી હતી.

ઉચ્ચ કક્ષાએથી રજૂઆત થતાં જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચેલા નગરપાલિકાના અધિકારીઓને ભારે માનસિક ત્રાસ અને હાલાકી વેઠી રહેલા રહીશોએ તીખા પ્રશ્નો પૂછીને ભારે જાટકણી કાઢી હતી.

સૌથી વધુ વંચાયેલું

રાશિફળ

ઋતુ

વધુ વાંચો

State